મોબાઇલ ઇન્ટરનેટ ર્સવિસ પર રોક વચ્ચે પરીક્ષા : સધન સુરક્ષા વચ્ચે જિલ્લાવાઈઝ તલાટીની પરીક્ષા થઇ વેરાવળમાં પેપર લીક થયાના હેવાલ વચ્ચે તપાસ શરૂ
અમદાવાદ,તા. ૨૮,મોબાઇલ ઇન્ટરનેટ સેવા આજે ગુજરાતભરમાં ચાર કલાક માટે બંધ રાખવામાં આવી હતી જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ પગલું રેવન્યુ તલાટી (એકાઉન્ટ્સ) ભરતી પરીક્ષા દરમિયાન સેલફોનના દુરુપયોગને રોકવા માટે લેવામાં આવ્યો હતો. મર્યાદિત ગાળા માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી હતી. આ નિર્ણય ગઇકાલે મોડીરાત્રે જ કરવામાં આવ્યો હતો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (ગુજરાત સ્ટેટ સબસિડરી સિલેક્શન બોર્ડ અથવા તો જીએસએસએસબી) દ્વારા આજે સવારે ૧૦ વાગ્યાથી એક વાગ્યા વચ્ચેના ગાળામાં આ પરીક્ષા લેવામાં આવી હતી. રેવન્યુ તલાટી ભરતી પરીક્ષાના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તૈયારીમાં હતા. ઇન્ટરનેટ સેવા કંપનીઓને તમામ ઇન્ટરનેટ સંબંધિત સોશિયલ મિડિયા ર્સવિસને સવારે ૯ વાગ્યાથી એક વાગ્યા વચ્ચે બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન મોબાઇલના દુરુપયોગને રોકવાના હેતુસર આ પગલા લેવાયા હતા. જીએસએસએસબીના ચેરમેન આસિત વોરા દ્વારા રાજ્ય સરકારને પરીક્ષા દરમિયાન મોબાઇલ ઇન્ટરનેટ સેવા બ્લોક કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આજે ગુજરાતના જુદા જુદા ભાગોમાં આ ટેસ્ટ માટે આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં તલાટીની ૨૪૮૦ જગ્યાઓ માટે આછ લાખથી વધુ ઉમેદવારો નોંધાયા હતા. રાજ્યના જુદા જુદા ભાગોમાં પરીક્ષા યોજાઈ હતી. અમદાવાદ અને મહેસાણા સિવાય રાજ્યના અન્ય કોઇપણ જગ્યા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા ન હતા જેથી નિર્ણયને લઇને પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. રાજ્યના તમામ જિલ્લાઓમાં તલાટીની પરીક્ષાના કેન્દ્રો હોવા છતાં માત્ર અમદાવાદ અને મહેસાણામાં જ પ્રતિબંધ મુકાયા હતા. આની ચર્ચા આગામી દિવસોમાં પણ રહી શકે છે. બીજી બાજુ વેરાવળમાં પ્રશ્નપત્ર કવરમાં એક પેપર ન દેખાતા ભાગદોડ મચી ગઈ હતી. વેરાવળમાં તલાટી પરીક્ષામાં પ્રશ્ન પત્રના કવરમાં એક પેપર ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ કરીને પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સેંકડો વિદ્યાર્થીઓએ અહીં બહિષ્કાર કર્યો હતો. ૩૦ પેપરમાંથી એક પેપર ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. મિલિભગતના આક્ષેપો મોડેથી કરવામાં આવ્યા હતા. તપાસની સૂચના પણ આપવામાં આવી છે. પ્રશ્નપત્રના તુટેલા કવરમાંથી એક પેપર ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. પ્રશ્નપત્રને પૂર્ણ કરવાનો સમય એક કલાકનો રાખવામાં આવ્યો હતો અને ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં કુલ ૧૦૦ પ્રશ્નો રાખવામાં આવ્યા હતા. પ્રશ્નોને લઇને ધણા વિદ્યાર્થીઓને દુવિધા દેખાઈ હતી પરંતુ ધણા વિદ્યાર્થીઓ પરીક્ષાને લઇને ખુશખુશાલ દેખાયા હતા. ગુજરાતભરમાં જિલ્લા વાઇઝ તલાટીની પરીક્ષા આજે લેવાઈ હતી. આંકડા પ્રમાણે ૮.૭૦ લાખ ઉમેદવારો પરીક્ષામાં જોડાયા હતા. છેલ્લી પરીક્ષામાં રાજકોટમાં પેપર લીક થવાનો મામલો આવ્યો હતો. રાજકોટ, સુરત, પાટણ, તાપી, નવસારી, છોટા ઉદયપુર જેવા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા ચાલુ રહી હતી. અમદાવાદ અને મહેસાણામાં જ આ સેવા બંધラરખાઈ હતી. રાજકોટમાં અગાઉની તલાટીની પરીક્ષામાં પેપર લીક થયા બાદ ગુનો પણ નોંધાયો હતો.
પરીક્ષાની સાથે સાથે....
અમદાવાદ,તા. ૨૮
* સધન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તલાટીની પરીક્ષા યોજાઈ
* તલાટી મંત્રીની પરીક્ષા વેળા ગુજરાતભરમાં ચાર કલાક મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી
* ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સવારે ૧૦થી એક વાગ્યા વચ્ચે પરીક્ષા લેવામાં આવી
* પરીક્ષા દરમિયાન મોબાઇલનના દુરુપયોગને રોકવાનો હેતુ હતો
* ગુજરાતભરમાં ૨૪૮૦ જગ્યાઓ માટે તલાટીની પરીક્ષા લેવાઈ હતી જેમાં આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
* આદેશ હોવા છતાં અમદાવાદ અને મહેસાણાને બાદ કરતા મોટા ભાગની જગ્યાઓએ મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રહી ન હતી
* વેરાવળમાં પેપર લીક થયા હોવાના અહેવાલ બાદ ભાગદોડ મચી ગઈ
* પરીક્ષા કેન્દ્રમાં પહોંચેલા પ્રશ્નપત્રના તુટેલા કવરમાંથી એક પેપર ગાયબ મળી આવ્યું
* સીલબંધ કવરમાં રખાયેલા ૩૦ પ્રશ્નપત્ર પૈકી એક ગાયબ હોવાના સમાચાર બાદ તપાસ હાથ ધરાઈ