Thursday, June 30, 2016

૭મા પગાર પંચનો અમલ થતાં ગુજરાત પર છ હજાર કરોડનો બોજો


સરકારી કર્મચારીઓ-પેન્શનરો સહિત કુલ ૮.૬૭ લાખ વ્યક્તિને વર્ષે ૨૮,૦૦૦ કરોડ ચૂકવાય છે

અમદાવાદ, બુધવાર
કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે ૭માં પગાર પંચનો અમલ કરવાનો નિર્ણય લેવાયાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેને પગલે ગુજરાત સરકાર દ્વારા પણ ૭મા પગાર પંચનો અમલ ક્યારે અને કેવી રીતે કરવો તેની વિચારણા શરૃ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કામાં સરકારને એવું લાગે છે કે જો ૨૩ ટકા લેખે પણ વધારો કરવામાં આવે તો સરકારની તિજોરી પર વર્ષે ૬૦૦૦ કરોડનો વધારાનો બોજો પડશે.

૭મા પે કમિશનનો અમલ સ્ટેટ ગર્વમેન્ટના, પંચાયતના, લોકલ ગર્વમેન્ટ એપલોઇઝ તથા ગ્રાન્ટ ઈન એઈડ ઈન્સ્ટિટયુટ (એજ્યુકેશન અને નોન-એજ્યુકેશન)નાં કર્મચારીઓ માટે કરવાનો રહેશે. જ્યારે મ્યુનિ. કોર્પોરેશનોનો તેમાં સમાવેશ થતો નથી. તા. ૩૧/૩/૧૫ની સ્થિતિએ રાજ્ય સરકારનાં ૧.૬૯ લાખ, પંચાયતના ૧.૯૧ લાખ, લોકલ સેલ્ફ ગર્વમેન્ટનાં ૭૩૦૦ અને ગ્રાન્ટ ઈન એઈડ ઇન્સ્ટિટયુટનાં ૮૦ હજાર કર્મચારીઓ છે. ઉપરાંત ૪.૧૮ લાખ પેન્સનર્સ પણ છે.

આમ રાજ્યભરમાં આવા કુલ ૮.૬૭ લાખ લોકોને સરકાર દર વર્ષે પગાર અને પેન્શન પેટે ૨૮૦૦૦ કરોડ રૃપિયા ચૂકવી રહી છે. જેમાં રાજ્ય સરકારનાં કર્મચારીઓને વર્ષે રૃ. ૬૮૦૦૦ કરોડ, પંચાયતનાં કર્મચારીઓને રૃા. ૭૩૦૦ કરોડ, લોકલ સેલ્ફ ગર્વમેન્ટના કર્મચારીઓને રૃા. ૧૩૦૦ કરોડ અને ગર્વમેન્ટના કર્મચારીઓને રૃ. ૧૩૦૦ કરોડ અને પેન્શનરોને રૃા. ૮૮૦૦ કરોડ ચૂકવવામાં આવે છે. ૭મા પે કમિશન મુજબ અંદાજે ૨૩ ટકા લેખે આ કર્મચારીઓને વધુ પગાર ચૂકવવો પડશે. જેથી રાજ્યભરમાં ૮.૬૭ લાખ લોકોને વર્ષે ૬૦૦૦ કરોડ વધારાના ચૂકવવા પડશે.

જોકે ૭મા પગાર પંચનો અમલ ક્યારે કરાશે તે અંગે સરકારે કોઈ જાહેરાત કરી નથી. આ અંગે ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું કે, કેન્દ્રમાંથી બંચ રીપોર્ટ આવ્યા બાદ GAD અને નાણા ખાતા દ્વારા તેનો વિગતવાર અભ્યાસ કરાશે. ઘણી વખત કેન્દ્ર અને રાજ્યનાં નોર્મ્સ અલગ અલગ હોય છે. મુખ્યમંત્રી પણ હજુ ૭મા પગાર પંચનો અમલ કરવા અંગેની કમિટી પણ બનાવશે. અન્ય રાજ્યો કરતાં ગુજરાત રાજ્ય ખૂબજ ઝડપથી ૭મા પગાર પંચનો અમલ કરી દેશે. પરંતુ ચોક્કસ ક્યારે અમલ કરાશે તે અત્યારે કહી શકાય નહીં.

Share This
Previous Post
Next Post