મુખ્યમંત્રીના માણસો ચૂંટણી ફંડ ઉઘરાવે છે દસ લાખ રૃપિયા લઇ નોકરીઓ અપાઇ છે
અમદાવાદ , બુધવાર
તલાટી કૌભાંડના મૂખ્ય સૂત્રધાર કલ્યાણસિંહ ચંપાવતે ભાજપ સરકાર પર એવો આરોપ મૂક્યો છેકે, ગુજરાતમાં લાખો રૃપિયા લઇને તલાટીથી માંડીને વિવિધ જગ્યાઓ પર નોકરીઓ આપવામાં આવી છે. રાજ્યમાં ૫૦ હજાર લોકોની ગેરકાયદેસર ભરતી થઇ છે. જેમ મધ્યપ્રદેશમાં વ્યાપમ કૌભાંડ ચાલી રહ્યું છે તેમ ગુજરાતમાં વ્યાપક ભરતી કૌભાંડ ચાલી રહ્યું છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના ઇશારે નોકરી કૌભાંડ ચાલી રહ્યું છે અને તેમના માણસો ભ્રષ્ટાચાર આચરનારાંઓ પાસેથી લાખો કરોડો રૃપિયા ચૂંટણી ફંડ ઉઘરાવે છે.
ફેબુ્રઆરી-૨૦૧૪માં તલાટી ભરતી કૌભાંડમાં ગાંધીનગર એલસીબીએ કલ્યાણસિંહ ચંપાવતની ધરપકડ કરી હતી. જામીન પર છૂટેલાં ચંપાવતે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર એવા ગંભીર આરોપ મૂક્યાં કે, ભાજપમાં રાજકીય કદ વધતાં મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. હકીકતમાં ૨ લાખ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ આધારે ભરતી કરાયાં છે જેમની પાસેથી લાખો રૃપિયા લઇને કાયમી કરવાનું મસમોટું કૌભાંડ ભાજપ સરકારના રાજમાં ચાલી રહ્યું છે.
ભાજપના માણસો જ ભ્રષ્ટાચારીઓને છાવરીને ખુલ્લેઆમ ચૂંટણીફંડના નામે લાખો રૃપિયા ઉઘરાવે છે તેવો આક્ષેપ કરતાં ચંપાવતે કહ્યું કે, શિક્ષણમંત્રી ચૂડાસમાના અંગત રિતેશ નાયકે જ મને કહ્યું કે, ચૂંટણીફંડ આપવું જ પડે નહીંતર જેલમાં જવાની તૈયારી રાખજો . આ જ પ્રમાણે મુખ્યમંત્રીના સિક્યુરિટી ઇન્ચાર્જ અશ્વિન પટેલે પણ મારી પાસે ચૂંટણીફંડ માંગ્યુ હતુ. ચંપાવતે એવો પણ દાવો કર્યો કે, મારી પાસે ભાજપના માણસો સાથે કરેલી વાતચીતના રેકોર્ડિંગના પુરાવા પણ છે જે ટૂંક જ સમયમાં જાહેર કરશે.
આમ, ભાજપ સરકારમાં લાખો રૃપિયાનો ભ્રષ્ટાચાર આચરની ભરતી કૌભાંડ ચાલી રહ્યું છે.