Wednesday, March 2, 2016

સીસીટીવી નહીં હોય તેવા ૨૧૨ પરીક્ષાખંડમાં હવે ટેબલેટ મુકાશે


સીસીટીવી નહીં હોય તેવા ૨૧૨ પરીક્ષાખંડમાં હવે ટેબલેટ મુકાશે

- આઠમીથી શરુ થતી બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૃ

- સંચાલકોને ભૌતિક સુવિધાઓ તપાસવા આદેશ


જિલ્લામાં કુલ ૧૬૦ સ્કુલમાં ધોરણ-૧૦ અને ધો-૧૨ની તમામ પરીક્ષા યોજાશે

ગાંધીનગર,મંગળવાર
ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી આઠમી માર્ચથી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા યોજવામાં આવનાર છે. જ્યારે પરીક્ષા દરમિયાન પારદર્શકતા જળવાઇ રહે અને કોઇપણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે જિલ્લાના તમામ પરીક્ષા સ્થળો પર સીસીટીવી કેમેરાની વોચ ગોઠવવા માટે બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેના અનુસંધાને તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા થોડા દિવસ અગાઉ સીસીટીવી કેમેરા ગોઠવવા માટે સ્કૂલ સંચાલકોને સુચના આપી હતી તેમ છતા ૨૧૨ જેટલા પરીક્ષા ખંડમાં સીસીટીવી નથી ત્યાં હવે ટેબલેટ મુકવામાં આવશે.
આવતા અઠવાડીયાથી શરુ થનારી બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન પણ શરુ થઇ ગયું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે સાથે શિક્ષણ તંત્ર અને બોર્ડના અધિકારી દ્વારા મીટીંગોનો દોર શરુ કરી દેવામાં આવ્યો છે. આ વખતે દરેક સેન્ટરને સીસીટીવી કેમેરાથી ફરજીયાત સજ્જ કરી દેવાના શિક્ષણ બોર્ડના આદેશને પગલે શિક્ષણાધિકારીની  દોડધામ પણ અગાઉથી શરુ થઇ ગઇ છે. જે શાળાઓમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે તે સ્કુલમાં સીસીટીવીની વ્યવસ્થા હોવી ફરજીયાત છે ત્યારે સીસીટીવી નહીં ધરાવતી સ્કૂલમાં સીસીટીવી ગોઠવવા માટે અગાઉ શિક્ષણાધીકારી દ્વારા સ્કૂલ સંચાલકોને સુચના આપી હતી. જેના ભાગરૃપે કેટલીક શાળાઓમાં બોર્ડની પરીક્ષાને લઇને સીસીટીવી ફીટ કરવામાં આવ્યા છે ત્યારે હજી પણ ઘણી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. તેવી સ્થિતિમાં તાજેતરમાં મળેલી પરીક્ષા સમિતિની બેઠકમાં આવી શાળાના ૨૧૨ પરીક્ષાખંડમાં ટેબલેટ મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ અંગે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડે જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે શિક્ષણ બોર્ડ અને જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા જરૃરી વ્યવસ્થાઓ અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લામાં એસ.એસ.સી. ની પરીક્ષા માટે ૨૭ કેન્દ્રો અને ૭૯ જેટલા પરીક્ષાના બિલ્ડીંગો નિયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ-૧૨ સાયન્સ પ્રવાહની પરીક્ષા માટે ૯ કેન્દ્રોમાં ૩૫ સ્કૂલ અને વિજ્ઞાાન પ્રવાહ માટે ચાર કેન્દ્રોમાં ૨૬ શાળાઓમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવાશે. આમ જિલ્લાના ૧૬૦ જેટલા પરીક્ષા સ્થળો પર બોર્ડની કસોટી માટે વ્યવસ્થા ગોઠવાશે.જેમાં ૨૧૨ જેટલા વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા નથી તેવી સ્થિતિમાં આ પરીક્ષાખંડમાં ટેબલેટ મુકવામાં આવશે.
Share This

Related Posts