- ગાંધીનગર જિલ્લામાં પ્રતિવર્ષ ૨.૯૩ લાખનો ધુમાડો
પ્રાથમિક શિક્ષણનું સ્તર ચકાસવા યોજાતા ગુણોત્સવ પાછળ જિલ્લામાં ૨.૦૬ રૃપિયા ખર્ચાઇ ગયા
સરકાર દ્વારા શિક્ષણમાં શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ કાર્યક્રમ છેલ્લા ઘણા વર્ષોથી શરુ કર્યા છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં ત્રણ-ત્રણ દિવસ જુન માસ દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે ત્યારે બે વર્ષના છ દિવસ માટે ગાંધીનગર જિલ્લામાં છ લાખ જેટલો ખર્ચ થઇ ગયો છે. તો ગુણોત્સવમાં વર્ષ ૨૦૧૪-૧૫માં ૧.૩૩ લાખ તેમજ વર્ષ ૨૦૧૫-૧૬માં ૭૨ હજાર જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહેર અને જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ તેમજ ગુણોત્સ યોજે છે. સામાન્ય બાળક પણ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રથમ ધોરણમાં ભણતા વિદ્યાર્થીને આવકારે છે. તો પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકોના સ્તરને ચકાસવા માટે ગુણોત્સવ દરેક જિલ્લામાં કરવામાં આવે છે. તેમાં પણ અધિકારીઓ અને પદાધિકારીઓ શાળામાં જઇને શાળાનું અને વિદ્યાર્થીનું મુલ્યાંકન કરે છે. ત્યારે સરકારના આ બન્ને ઉત્સવો પાછળ જિલ્લાકક્ષાએ પણ માતબર રકમનો ખર્ચ થતો હોય છે જે અંગે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૪-૧૫માં તેમજ ૨૦૧૫-૧૬માં જુન માસના ત્રણ-ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. આ દરેક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પાછળ જિલ્લામાં ૨.૯૩ લાખનો ખર્ચ થાય છે એટલે બે વર્ષના ત્રણ-ત્રણ એમ છ દિવસ માટે છ લાખ જેટલો ખર્ચ થયો છે.
તો વર્ષ ૨૦૧૪-૧૫માં નવેમ્બર માસમાં યોજાયેલા ગુણોત્સવના ત્રણ દિવસમારં ૧.૩૪ લાખ રૃપિયા જેટલો ખર્ચ થયો હતો જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં જાન્યુઆરી માસમાં યોજાયેલા ગુણોત્સવમાં ૭૨ હજાર રૃપિયા મળીને કુલ ૨.૦૬ લાખનો બે વર્ષના ગુણોત્સવમાં ખર્ચ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા યોજવામાં આવતાં આ ગુણોત્સવ અંતર્ગત ફકત શાળાની જ નહીં પરંતુ આખે આખા ગામની સમસ્યાને પણ જાણવા માટે રાજ્ય સરકાર અધિકારીઓને ગામોમાં મોકલતી હોય છે જેના થકી ગામોમાં કઈ સુવિધાની જરૃર છે તે પણ જાણી શકાય છે.