Tuesday, March 1, 2016

ધો.૧૦-૧૨ પરીક્ષા કેન્દ્રની આસપાસના ૧૦૦ મીટરમાં મોબાઇલ પર પ્રતિબંધ

ગુજરાતમાં આઠમી માર્ચથી શરૃ થતી પરીક્ષામાં સોશિયલ મિડિયા પર રોક લગાવવા તાકીદ


અમદાવાદ, સોમવાર
શિક્ષણ બોર્ડ દ્વારા આગામી આઠમી માર્ચથી શરૃ થતી ધો. ૧૦,ધો. ૧૨ અને સાયન્સની પરીક્ષાઓમાં ગેરરિતીઓ અટકાવવા બોર્ડે કમરકસી છે. ખાસ કરીને ગત વર્ષે મણીનગરની જયસોમનાથ સ્કૂલમાંથી બાયોલોજીનું પેપર વોટસએપ પર ફૂટી જતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ત્યારે આ વખતની બોર્ડની પરીક્ષામાં સોશિયલ મિડિયા પર રોક લગાવવા તાકીદના પગલા ભર્યા છે.
જેના ભાગરૃપે શિક્ષણ બોર્ડે પ્રથમ વખત વિદ્યાર્થીઓ-વાલીઓ પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટરની આસપાસ મોબાઇલ ફોન લઇ જઇ શકશે નહીં, તેવો કડક પ્રતિબંધ ફરમાવ્યો છે.  ધો. ૧૦ અને ધો.૧૨ અને સાયન્સ સહિત રાજ્યમાંથી ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે.  ત્યારે પરીક્ષા કેન્દ્રો પર થતી ગેરરિતીઓ ખાસ કરીને સોશિયલ મિડિયાનો થતો દુરૃપયોગ અટકાવવા બોર્ડ તકેદારીના ભાગરૃપે વાલીઓ કે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટર પહેલા જ મોબાઇલ ફોન લઇ જઇ શકશે નહીં. એટલું જ નહી શિક્ષણ બોર્ડ આગામી સમયમાં કેવી વ્યવસ્થા ઉભી કરવી તેને લઇ વિચારણા કરશે. બોર્ડના સુત્રોએ જણાવ્યુ છે કે આ નિયમનો અમલ કરવા સ્થાનિક પોલીસનો સહારો લેવામાં આવશે, જેઓ વાલીઓ-વિદ્યાર્થીઓનું ચેકીંગ સઘન ચકીંગ કરશે. જો મોબાઇલ હશે તો કેન્દ્રના ૧૦૦ મીટર પહેલા જ પ્રવેશ  કરવા દેવાશે નહી. સંવેદનશીલ કેન્દ્રો પર વિશેષ સ્કવોર્ડથી પણ વિદ્યાર્થીઓ પર વોચ રખાશે.
મહત્વનું એ છે કે અત્યારસુધી બોર્ડની યોજાતી પરીક્ષામાં ૧૦૦ મીટર આસપાસના કેન્દ્ર પર ઝેરોક્ષની દુકાનો બંધ રખાવવામાં આવતી હતી. પરંતુ જ્યારથી મોબાઇલ આવી ગયા છે  ત્યારથી જ લોકો  વોટસએપ જેવા સોશિયલ મિડિયાની મદદથી આસાનીથી પેપર ફોડી નાંખી ફરતુ કરી દે છે.  એટલું જ નહી ગણતરીની મિનિટોેમા આખા રાજ્યમાં પેપર ફરતુ થઇ જાય છે. ગત વર્ષે મણીનગરની જયસોમનાથ સ્કૂલમાંથી વોટસએપ પર બાયોલોજીનું પેપર ફુટી જતા શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. જેને લઇ બોર્ડે આ વખતે રાજ્યના તમામ કેન્દ્રો પર ૧૦૦ મીટર પહેલા જ મોબાઇલ લઇ જવા દેવાશે નહી જેના કારણે વિદ્યાર્થીઓને સોશિયલ મિડિયા પર ચોરી કરવાનું મોકળુ મેદાન મળે નહી.
Share This

Related Posts