અંગ્રેજીને ભાષાના સ્વરૂપમાં લેવુ જોઇએ નહિ કે શિક્ષણના સ્વરૂપમાં: અંગ્રેજી વિદ્યા નથી પરંતુ વિદ્યાનું માધ્યમ છેઃ ઇતિહાસ વિદ્યા છેઃ સંઘ સાથે જોડાયેલા સંગઠને માનવ સંશાધન વિકાસ મંત્રાલયને ઇતિહાસ અંગે સુચનો કર્યાઃ બાળકો સ્થાનિક ઇતિહાસ જાણે એ જરૂરી છે
નવી દિલ્હી તા.ર૯ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઇચ્છે છે કે, નવી શિક્ષણ નીતિમાં ઇતિહાસના અભ્યાસ ઉપર વધુ ભાર મુકવામાં આવે અને પ્રથમ ધોરણથી જ વિદ્યાર્થીઓને ઇતિહાસ ભણાવવાનું ફરજીયાત કરવુ જોઇએ. આ સંબંધમાં સંઘ સાથે જોડાયેલા સંગઠન અખિલ ભારતીય ઇતિહાસ સંકલન યોજનાએ માનવ સંશાધન વિકાસ મંત્રાલયને સુચન પણ કર્યુ છે. તેમને આશા છે કે, ઇતિહાસની જરૂરીયાતને સમજતા વિદ્યાર્થીઓને ઇતિહાસની માહિતી શરૂઆતથી જ આપવા ઉપર ફોકસ કરવામાં આવશે.
અત્રે એ નોંધનીય છે કે, નવી શિક્ષણ નીતિનો ડ્રાફટ લગભગ તૈયાર છે અને તૈયાર કરતી કમીટી તેને ટુંક સમયની અંદર જ માનવ સંશાધન વિકાસ મંત્રાલયને સોંપશે. ઇતિહાસ સંકલન યોજનાના સંગઠન મંત્રી બાલમુકુંદે કહ્યુ છે કે, ઇતિહાસની જવાબદારી સ્વાભિમાન વધારવાની છે તેથી પુર્વજોના પરાક્રમોને ઇતિહાસમાં જગ્યા મળવી જોઇએ. ધો.૧થી જ ઇતિહાસ ભણાવવાનું શરૂ કરવુ જોઇએ કારણ કે, ઇતિહાસની ડયુટી છે કે અતિથને વર્તમાનમાં સ્થાપિત કરીને ભવિષ્યનું નિર્માણ કરવુ.
તેમણે કહ્યુ હતુ કે, અમે આ સુચન કર્યુ છે કે, પહેલા ધોરણથી ઇતિહાસ ભણાવવો જોઇએ. બાળકો પોતાના સ્થાનિક ઇતિહાસને ઓળખે એ પણ જરૂરી છે. અત્યારે તેમને ઇતિહાસનું જ્ઞાન નથી હોતી પરંતુ તેઓ વિદેશીઓના ઇતિહાસ ભણે છે. શિક્ષણનો ઉદ્દેશ ચરિત્ર નિર્માણ અને રાષ્ટ્રભકિત છે. તેથી એ અભ્યાસ બાળકોને ભણાવવો જોઇએ.
તેમણે કહ્યુ છે કે, પહેલા ધોરણથી અંગ્રેજી ફરજીયાત કરવાની જગ્યાએ ઇતિહાસ કરવાની જરૂર છે. સંઘના નેતાએ કહ્યુ હતુ કે, અમે અંગ્રેજીનો વિરોધ નથી કરતા પરંતુ અંગ્રેજી ભાષા, ભાષના સ્વરૂપમાં થવી જોઇએ નહી કે શિક્ષણના સ્વરૂપમાં. અંગ્રેજી વિદ્યા નથી માત્ર વિદ્યાનું માધ્યમ છે. અંગ્રેજીમાં ઉપલબ્ધ માહિતી મેળવવા માટે અને તેને સમજવા માટે અંગ્રેજી જરૂરી છે. તે પોતાનામાં વિદ્યા નથી. અંગ્રેજીની જેટલી ડયુટી છે તેટલી જ હોવી જોઇએ એ માત્ર સંપર્કની જ ભાષા છે તેથી ધો.૧થી અંગ્રેજીને બદલે ઇતિહાસ જરૂરી છે કારણ કે ઇતિહાસ વિદ્યા છે