તમામ વિભાગોને કેલેનડર મુજબ કર્મચારીઓની ભરતી કરવા છુટ
નિવૃત કર્મચારીઓ માત્ર વચગાળાની વ્યવસ્થા માટે જ
ગાંધીનગર તા.૨૭ : રાજયમાં ખાલી જગ્યાઓ ભરવા માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરની યોજના અમલમાં મૂકી દરેક વિભાગને ખાલી જગ્યાઓ ભરવા મંજૂરી આપવામાં આવી છે. નિવૃત્ત થયેલા કર્મચારીઓની ટુંકા ગાળા માટે સેવાઓ લેવાની વર્ષોથી નીતિ અમલી રહી છે. રાજયના વિવિધ વિભાગોમાં માત્ર નિયમિત ભરતીના કર્મચારી ઉપલબ્ધ થાય અથવા ૧ વર્ષ એ બંનેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધીના ગાળા માટે જ વચગાળાની વ્યવસ્થા રૂપે નિમણૂક આપવામાં આવે છે.
નાયબ મામલતદાર સંવર્ગની ૪૦૦ જગ્યા ભરવા ગુજરાત જાહેર સેવા આયોગને માગણીપત્રક મોકલતાં ગુજરાત જાહેર સેવા આયોગે પ્રાથમિક પરીક્ષા લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. કારકુન સંવર્ગની પ્રથમ વર્ષની ૧૦૦૩ જગ્યાઓ ભરવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને માંગણીપત્રક મોકલતાં મંડળે ભરતી પ્રક્રિયા પુરી કરી સપ્ટેમ્બર-૨૦૧૫માં ઉમેદવારોની ફાળવણી જિલ્લા કલેકટરોને કરવામાં આવી છે. તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ૧૮૦ કલાર્કની જગ્યાઓ ભરવા સંબંધમાં માંગણીપત્રક મોકલી આપવામાં આવ્યું છે. મહેસૂલી તલાટીની ૨૪૮૦ જગ્યાઓ ભરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તા. ૨૮/૦૨/૨૦૧૬ના રોજ પરીક્ષા યોજવામાં આવશે. આમ, ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ખાલી જગ્યાઓ ભરતીની નિયત પ્રક્રિયા મુજબ ભરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે તેમ મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ(સેવા)ની યાદીમાં જણાવ્યું છે.