નવી દિલ્હી તા.૨૬: ઇન્કમટેકસની આવક વધારવા માટે આવકવેરા ખાતું કરદાતાના દરેક ખર્ચ પર ટીડીએસ કપાત કરવાની વિચારણા કરી રહ્યું છે. આ કારણે રિફંડ કલેમ કરવા માટે કરદાતાએ તેના તમામ મોટા ખર્ચ ઇન્કમટેકસ રિટર્નમાં દર્શાવવા પડશે. આ નવી સિસ્ટમ અમલી બનશે તો ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટની આવક આવતા વર્ષે રૂ.૭ લાખ કરોડથી વધીને રૂ.૧૫ લાખ કરોડને આંબી જશે તેવી આવકવેરા ખાતાને આશા છે. હાલમાં દેશમાં ૧૭ કરોડ પાનકાર્ડ ધારકોની સામે માત્ર રૂ.૩.૫૦ કરોડ એસેસી જ પોતાના ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરે છે. ૬ થી ૮ કરોડ દરદાતા પોતાનું રિટર્ન ફાઇલ ન કરતા હોવાની આવકવેરા ખાતાને આશંકા છે. આ તમામ લોકોને આવકવેરાની જાળમાં લાવવા માટે સીબીડીટી સમક્ષ તમામ ટ્રાન્ઝકશન પર ટીડીએસ લાદવાનો પ્રસ્તાવ આવકવેરા ખાતામાંથી મોકલવામાં આવ્યો છે.
દિલ્હીમાં મળનારી સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ) ની મિટિંગમાં કરદાતાના તમામ મોટા ખર્ચ પર ટીડીએસ લાદીને તેનું રિફંડ આપવાની સુવિધા ઊભી કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. હાલમાં ટીડીએસ મર્યાદિત વસ્તુઓ પર જ લાદવામાં આવે છે. આવકવેરા ખાતાનાં સૂત્રો જણાવે છે. ‘‘જો ટીડીએસ તમામ ટ્રાન્ઝેકશન પર લાગુ પાડી દેવામાં આવે તો તે ટીડીએસનું રિફંડ કલેમ કરવા માટે કરદાતાએ ફરજીયાત તેના ખર્ચ ઇન્કમટેકસ રિટર્નમાં દર્શાવવા પડશે. પાન નંબર ખોટો આપનાર અથવા તો ખર્ચ રિટર્નમાં ન દર્શાવનાર કરદાતાએ રિફંડમાંથી હાથ ધોવો પડશે. વળી, આ નવી પદ્ધતિને કારણે રિટર્નમાં ખોટી વિગતો દર્શાવનાર કરદાતા પણ પકડાઇ જશે.''
આ પ્રસ્તાવને સીબીડીટીમાં મંજુરી મળશે તો આવકવેરા ખાતાના અધિકારીઓ વિવિધ ઉદ્યોગના અધિકારીઓ સાથે મળીને કયા ખર્ચ પર ટીડીએસનો દર કેટલો રાખવો તે પણ નક્કી કરશે. હાલમાં કેટલાંક ટ્રાન્ઝેકશન પર જ ટીડીએસ કપાત કરવામાં આવે છે આવકવેરા ખાતાનાં સૂત્રો જણાવે છે,‘‘હાલમાં કરદાતા તેમણે કરેલા ખર્ચ પર ટીડીએસનો દર નક્કી કરવામાં ન આવ્યો હોવાને કારણે ટીડીએસ ડિડકટ ન કર્યો હોવાનું બહાનું આગળ ધરી દે છે. નવી સિસ્ટમમાં કયા ટ્રાન્ઝેકશન પર કેટલો ટીડીએસ કપાત કરવો તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. અને આ લિસ્ટમાં સમાવિષ્ટ ન હોય તે ખર્ચ પર સૌથી વધુ ૧૫ ટકા કે સીબીડીટી જે નક્કી કરે તે દરે ડીટીએસ કપાસ કરવાનો નિયમ લાગુ પાડવામાં આવે તો દરેક કરદાતા પોતાના ખર્ચ પર ટીડીએસ કપાત કરાવતા થશે., પરિણામે આવકવેરા ખાતા પાસે કરદાતાના તમામ ખર્ચનો બરાબર બિસાબ રહેશે. ''